Tapi news : કે.કે કદમ કન્યા વિદ્યાલય વ્યારા ખાતે શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

  Tapi news : કે.કે કદમ કન્યા વિદ્યાલય વ્યારા ખાતે શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

શિક્ષકદિન વિશેષ- તાપી જિલ્લો શિક્ષકો-ગુરુઓને લાખ લાખ વંદન કરે છે.

કે.કે કદમ કન્યા વિદ્યાલય વ્યારા ખાતે શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

- શિક્ષકો આપણા આદર્શ સમાજના વાસ્તવિક શિલ્પકાર છે• -:જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહભાઈ વસાવા

-શિક્ષક દિન નિમિત્તે  જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકો અને પ્રતિભાશાળી બાળકોને સન્માનિત કરતા અતિથિ વિશેષ

-કલમ, પુસ્તક અને શિક્ષક સમગ્ર વિશ્વને બદલવાની ક્ષમતા ધરાવે છે

-શિક્ષક બાળકમાં શિસ્ત, ક્ષમા અને કરૂણાનું સિંચન કરે છે

*માહિતી બ્યુરો,તાપી તા.૦૫* શિક્ષકો અને ગુરૂઓ વગર સમાજનું ઘડતર અને નિર્માણ અશક્ય છે. શિક્ષક આદર્શ સમાજના નિર્માણની પરિભાષા છે. શિક્ષકોના અમૂલ્ય યોગદાન માટે સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા તાપી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં કે.કે કદમ કન્યા વિદ્યાલય વ્યારા ખાતે ૫ સપટેમ્બર શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ યોજાયો હતો.  જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લા કક્ષાએ શાળામાં શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોને અને વિવિધ પરીક્ષાઓમાં સિદ્ધી હાંસલ કરનારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પારિતોષિક એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

માતા-પિતા બાળકનું શારીરિક વિકાસ કરે છે, જ્યારે શિક્ષકો બાળકના માનસિક વિકાસનું ઘડતર કરીને બાળકના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરીને વધુને વધુ શ્રેષ્ઠ અને સક્ષમ બનાવવા પ્રયત્નશીલ હોય છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી વસાવાએ જણાવ્યું કે, એક કલમ, એક પુસ્તક અને એક શિક્ષક સમગ્ર વિશ્વને બદલવાની ક્ષમતા ધરાવે છે. શિક્ષક બાળકમાં શિસ્ત, ક્ષમા અને કરૂણાનું સિંચન કરીને આદર્શ સમાજનો એક જવાબદાર નાગરિક બનાવે છે.

તાપી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી વસાવાએ આ પ્રસંગે સર્વ શિક્ષકમિત્રોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીના જીવનમાં માતા-પિતાની સાથે શિક્ષકની ભૂમિકા ખુબ મહત્વની છે જે બાળકોના ઉજ્જવળ ભાવિને સુનિશ્ચિત કરવાનું કાર્ય કરે છે. આદિજાતિ બહુલ વસ્તી ધરાવતા તાપી જિલ્લાનું કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર સહિત તાપી જિલ્લા વહિવટી તંત્ર અને શિક્ષણ વિભાગ હરહંમેશ પ્રયત્નશીલ રહ્યું છે. 

બાળકોને પોતાના ઉચ્ચ અભ્યાસ કરવાના સ્વપ્ન પૂર્ણ કરવા માટે એક ઉંચુ આકાશ આપવાની નેમ સાથે તાપી જિલ્લો આગળ વધી રહ્યો છે, જેમાં શિક્ષકોની ભૂમિકા પ્રસંશનીય છે.


બાળકોમાં પાઠ્યપુસ્તકના જ્ઞાન સાથે નીડરતા, નિર્ણય શક્તિ અને વ્યક્તિત્વ વિકાસની સાથે આદર્શ ગુણો અને સંસ્કારોનું સિંચન કરતા શિક્ષકો આપણા સમાજના વાસ્તવિક શિલ્પકાર છે. કહેવાય છે ને, શિક્ષક કભી સાધારણ નહી હોતા હૈ, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મે ખેલતે હૈ. આ પ્રસંગે કાર્યક્રમમાં શ્રેષ્ઠ શિક્ષકો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું આદરભાવ સાથે સન્માનિત કરીને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે હરહંમેશ પ્રયત્નશીલ રહેવા અંગે પણ જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ અનુરોધ કર્યો હતો. 

 આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયાએ ઉપસ્થિત સૌ શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકો,બાળકો અને તમામ શિક્ષકગણને શિક્ષક દિન નિમિત્તે શુભેચ્છાઓ પઠવી ઉત્તરોત્તર પ્રગતિ કરી આગળ વધવા માટે અભિનંદન પાઠવ્યા હતા. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સ્નમાનમાં કરવામાં આવતી શિક્ષક દિનની ઉજવણી શિક્ષકોના સન્માન માટેનો આદર્શ દિવસ છે. બાળકોની સાથે સમાજના ભવિષ્યનું ઘડતર શિક્ષક-ગુરુઓના હાથમાં છે. બાળકોમાં શિક્ષણ, સંસ્કાર, માર્ગદર્શન આપીને સફળતાની સાચી રાહ ચિંધવા માટે એક આદર્શ શિક્ષકની ભૂમિકાને પ્રોત્સાહિત કરવા માટે તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્ય સહિત તાપી જિલ્લામાં શિક્ષણના પાયાને મજબૂત કરવા માટે સરાહનીય કામગીરી કરી છે.
આજ રોજ યોજાયેલા શિક્ષણ દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોને પારિતોષિક સન્માન સમારોહ યોજાયો હતો. જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠતા સન્માન પ્રાપ્ત કરનારા શિક્ષકોને રૂ. 15 હજારનો ચેક, શાલ અને પ્રશસ્તિ પત્ર આપી પુરસ્કૃત કરાયા હતા.ગુજરાત સરકારશ્રી દ્વારા લેવાતી જ્ઞાન સાધના અને સીઈટી પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરાયા હતા. 
આજના શિક્ષકદિન નિમિત્તે જિલ્લા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક તરીકે ૪ શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી જેમાતુષાર.જે.ભટ્ટ પ્રાથમિક શાળા ઘોડા તા.સોનગઢ, ચૌધરી મયંકકુમાર સરકારી માધ્યમિક શાળા ચકવાણ તા.વ્યારા,ચૌધરી સંગીતાબેન ગોવિંદભાઇ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા લખાલી, તથા ચૌધરી રાકેશભાઇ પરેશભાઇ જેઓને સી.આર.સી તરીકે જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠતા સન્માન પ્રાપ્ત કરી રૂ. 15 હજારનો ચેક, શાલ અને પ્રશસ્તિ પત્ર આપી પુરસ્કૃત કરાયા હતા.

શિક્ષક દિનની ઉજવણી પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી સુશ્રી ધારા પટેલે સ્વાગત પ્રવચન તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડો.વર્ષાબેન આભારવિધી કરી હતી. 

આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના શ્રી ગોવિંદભાઇ ગાંગોડા,કે.કે.કદમ કન્યા શાળાના આચાર્યશ્રી અપેક્ષાબેન,શિક્ષણ વિભાગના અધિકારી કર્મચારીઓ,શિક્ષણ સંઘ અને આચાર્ય સંઘના પ્રમુખશ્રીઓ અને અન્ય શિક્ષકમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

*શિક્ષકદિન વિશેષ- તાપી જિલ્લો શિક્ષકો-ગુરુઓને લાખ લાખ વંદન કરે છે* - *કે.કે કદમ કન્યા વિદ્યાલય વ્યારા ખાતે શિક્ષક દિનની...

Posted by Info Tapi GoG on Thursday, September 5, 2024

Comments